વલસાડના કકવાડી ગામની શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા.

0

  

વલસાડના કકવાડી ગામની શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા.

અમરેલી જિલ્લામાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડના વિદ્યાર્થીએ પ્રતિનિધિત્વ કર્યુ હતું.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) ગાંધીનગર આયોજિત જી૨૦- વસુધૈવ કુટુંબક્મ – વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ અમરેલી જિલ્લામાં યોજાયો હતો. 

આ કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધા જેવી જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકાના કકવાડી ગામની પ્રાથમિક શાળાના ધો. ૮ ના વિદ્યાર્થી રિશી ભગેશભાઈ ટંડેલે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ સીઆરસી કક્ષાએ પ્રથમ અને ત્યારબાદ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે વિજેતા થઈ ઝોન કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે ભરૂચ મુકામે ગયા હતા. 

ઝોન કક્ષાની સ્પર્ધામાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલા રિશી ટંડેલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને ત્યારબાદ તા.૫,૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લામાં વિદ્યાસભા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી પ્રાથમિક શાળા કકવાડી અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય ચેતનભાઇ પટેલ અને માર્ગદર્શક શિક્ષક શંકરભાઈ ટંડેલે વિદ્યાર્થી રિશી ભગેશભાઈ ટંડેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૯ જાન્યુઆરી 

Post a Comment

0Comments
Post a Comment (0)