આદિવાસીઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પ્રથા : નવા ધાન્યની કાપણી પહેલાં કે પછી માવલી માતાની પૂજા.

0

  

આદિવાસીઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પ્રથા : નવા ધાન્યની કાપણી પહેલાં કે પછી માવલી માતાની પૂજા.

પ્રકૃતિની સૌથી નજીક મનાતી આદિવાસી પ્રજામાં સદીઓથી ચાલી આવેલી સંસ્કૃતિ અને માન્યતાઓ આજે ૨૧મી સદીમાં પણ કાયમ છે. એટલું જ નહીં તો આદિવાસીઓની યુવા પેઢી પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાય નવું ધાન્ય પાકે ત્યારે માવલી માતા અને કનસરી માતાની પૂજા કરે છે. આ પરંપરાગત પૂજા દરમ્યાન ભગત-ભૂવાઓ દ્વારા સળગતા અંગારા મ્હોમાં મુકવા, ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને માતાની આરાધના કરી ધૂણવાની પરંપરા આજે પણ અકબંધ છે. છેલ્લા છ દિવસમાં ધરમપુરના બિલપુડી, મરઘમાળ, ચિંચોઝર વગેરે ગામોમાં થયેલી આ અદ્ભૂત કહીં શકાય તેવી પૂજાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં નવી પેઢી માટે કૌતુક સમાન બની ગયાં છે.

દ.ગુજરાતનો આદિવાસી સમાજ સદીઓથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે. ચોમાસુ પૂરૂં થયાં બાદ નવું ધાન્ય ઉગે ત્યારે માવલી માતાની પરંપરાગત પૂજા દરેક ગામોમાં કરવામાં આવે છે. અનાજ-ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા દરમ્યાન (ભગત-ભૂવાઓ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે, બંને હાથમાં સળગતાં લાકડાંનો દિલધડક ખેલ કરવામાં આવે છે. થોડી-થોડીવારે સળગતાં લાકડાંને મ્હોમાં મુકીને કાંકડા રીતસર ખાવામાં આવે છે. સળગતાં કાંકડાથી શરીર પર મારવામાં આવે છે. 

માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે, માતાની આરાધના કરવામાં આવે છે અને આ દરમ્યાન ધૂણવાની પરંપરા ચાલી આવી છે. માવલી માતા આદિવાસીઓની દેવી છે, જેમની પૂજા કરાય છે. ત્યારબાદ ડુંગરો પર આવેલા માવલી માતાના સ્થાનક પર જઇ ભગતો પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે.

આદિવાસીઓ માવલી માતાતી પૂજા કર્યા બાદ જ નવું ધાન્ય આરોગે છે

ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય અને આદિવાસી આગેવાન કલ્પેશ પટેલે સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આદિવાસી સમાજમાં સદીઓથી ચાલી આવેલ પરંપરા મુજબ નવું ધાન્ય આવે ત્યારે માવલી માતાની પૂજા પૂરી કર્યા બાદ જ આદિવાસીઓ નવું ધાન્ય. અડદ. કાકડી વગેરેને આરોગે છે. પૂજા પૂરી થયાં બાદ નવું ધાન્ય ખાવાની શરૂઆત કરે છે. તે પછી માવલી માતાની પૂજા સુધી નવું ધાન્ય ખાતા નથી. વર્ષ દરમ્યાન અનાજ પુરૂં થઇ જાય તો કોઇક પાસેથી જુનું અનાજ માંગી લાવીને તે ખાય છે, નવું ધાન્ય ખાતા નથી. મ્હોંમાં સળગતા કાકડા નાખે, શરીર પર મારે, સીસમના કાંટાથી શરીર પર વાર કરે છતાં દર્દ થતું નથી, કપડાં સળગતા કે ફાંટતા નથી એ ખરેખર વિસ્મયકારી અને અવિશ્વસનીય છે.


ભૂવાઓ સીસમનાં કાંટાવાળી લાકડી શરીર પર મારે છે તેમ છતાં તેને ઇજા થતી નથી.

કલ્પેશ પટેલે આદિવાસી સમાજની આ સદીઓથી ચાલી આવેલા પારંપારિક પૂજાની રોચક વાત કરતા જણાવ્યું કે, માવલી એક સ્થાનિક પ્રાર્થનાની પ્રથા છે. જે વર્ષમાં એકાદવાર થાય છે. સ્થાનિક ભગતને બોલાવવામાં આવે છે. જેઓ ભગવાનને નવડાવે છે. આ પૂજા વાંસના મંદિરમાં રાખવામાં આવે છે અને આ વિધિ સ્થાનિક ભગત દ્વારા ૨૪ કલાક ચાલે છે. આ સમયે દૂધીમાંથી બનાવેલ વાંજીત્ર વગાડવામાં આવે છે. માવલી માતાની પૂજા દરમ્યાન વિધિ કરતી વેળા ભગત- ભૂવાને ગાંગડી આવે છે અને જોરજોરથી ધૂણવા માંડે છે. એ વખતે સળગતાં કાંકડા મોઢામાં નાખે છે, ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે ઉપરાંત સળગતા કાંકડા શરીર પર મારે છે તેમ છતાં તેને દર્દ થતું નથી, કપડાં બળતા નથી, સીસમના કાંટાવાળી લાકડી શરીર પર મારે છે તેમ છતાં તેને ઇજા થતી નથી, કપડાં ફાંટતા નથી, દુ:ખાવો થતો નથી. આ ખરેખર વિસ્મયકારી અને આશ્ચર્યજનક બાબત છે.



Post a Comment

0Comments
Post a Comment (0)