Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

0

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો 


 વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી 

ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે 

----  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ 

વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.    


ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સમજ સ્પષ્ટ બને છે. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે, એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે એ હેતુથી અમારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આબેહૂબ મત કુટીર ઊભી કરવામાં આવી હતી. પોલીસ, હોમગાર્ડ, બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફથી લઈ મતદાનની તમામ પ્રક્રિયા આબેહૂબ ચૂંટણીની જેમ ગોઠવી આ તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ઉમેદવારો જેમ પ્રચાર પ્રસાર કરતા હોય એમ વિદ્યાર્થી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. ચૂંટણી પૂર્વે જાહેરનામુ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સહિતની તમામ પ્રક્રિયા આટોપાઈ હતી. 

   આચાર્યા ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, આજની બાળ સંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, સંપૂર્ણ પ્રક્રિયા વોટીંગ મશીન એપ.ના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીના આયોજક મીરાબેન, દિપાલીબેન અને હાર્દિકભાઈએ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષકો મળી કુલ ૨૧૨ એ મતદાન કર્યુ હતું. શાળા પરિવાર અને અને વિદ્યાર્થીઓના સહકારથી બાળ સંસદની ચૂંટણી પૂર્ણ થતા ૭૨ મત સાથે ઉર્વિશ પટેલને વિજેતા જાહેર કરી મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૧ મત મેળવનાર રિધ્ધિ ભોયાને ઉપમંત્રી તરીકે જાહેર કરાતા શાળાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે અભિનંદન આપ્યા હતા. 

Post a Comment

0Comments
Post a Comment (0)