સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

0

  સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે

 આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે આશીર્વાદરૂપ બની અને કેવી રીતે ડોકટર બનવાનું સપનું પુરૂ કર્યુ તેની સમગ્ર કહાની આદિવાસી સમાજની તબીબ યુવતીના જ મુખેથી... વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડો. દર્શના ગોવિંદભાઈ પટેલ કહે છે કે, હું ધો.૧ માં ભણતી ત્યારે ૬ વર્ષની હતી તે સમયે મારા મમ્મી ઝાડા-ઉલટી જેવી સામાન્ય બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું ધો. ૬માં આવી ત્યારે મારી મમ્મી લતાબેનના મોતના કારણ વિશે ખબર પડી તો ત્યારથી જ મનોમન એવુ નક્કી કર્યુ હતું કે, ઝાડા-ઉલટી જેવી સામાન્ય માંદગીના કારણે કોઈનો જીવ જવો ન જોઈએ, ધરતી પર ડોકટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે જેથી મારા મનમાં ડોક્ટર બનવાની ઈચ્છા થઈ, જેથી મારા પરિવાર કે મારા ગામમાં કોઈ નજીવી બિમારીના કારણે મોતને ન ભેટે. ડોકટર બનવાના મારા સપનાને પુરા કરવા માટે ખૂબ મન લગાવી અભ્યાસ કર્યો અને વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં મને વર્ષ ૨૦૧૭માં પ્રવેશ મળ્યો હતો પરંતુ તે સમયે ફી ભરવા માટે અમારી પાસે પૈસા ન હતા. પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી મારી સાથે અન્ય બે બહેન અને ૧ ભાઈ મળી કુલ ચાર સંતાનના ભરણપોષણ અને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમે મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ આ ખરા સમયે અમારા પર તકેદારી કચેરી ( હાલની મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ કચેરી)માંથી સામેથી ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મળ્યું છે જેની ફી ભરવાની ચિંતા ન કરતા, ગુજરાત સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી તમારી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. આ શબ્દો સાંભળીને અમારા હૈયે ટાઢક વળી હતી. મારા સપનાને ઉડાન ભરવા માટે રાજ્ય સરકારે પાંખો આપી હોય એમ અમે બધા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આખરે ૨૦૨૨માં એમબીબીએસની ડિગ્રી મેળવી ગરીબ આદિવાસી સમાજની સેવા કરવા માટે સૌ પ્રથમ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સૌપ્રથમ સુથારપાડા સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર જોડાઈ હતી ત્યારબાદ બદલી થતા હાલ પિંડવળ સીએચસીમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહી છું. આગામી દિવસોમાં હું એમડી કરી યુપીએસસી-સીએમએસ (કમ્બાઈન મેડિકલ સર્વિસ)ની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યુ છે. એમડીની ડિગ્રી માટે પણ આ ફ્રી શીપ કાર્ડ યોજના ફરી મને મદદરૂપ થશે. ડો. દર્શના પટેલ વધુમાં કહે છે કે, આ યોજનાની બીજી સારી વાત એ છે કે, ૪ વર્ષ સુધી કોલેજ કરી એ ત્યારે સેમેસ્ટર કે વર્ષ પુરૂ થાય ત્યારે ફ્રી શીપ કાર્ડ રિન્યુ કરાવવાનો રહેતો નથી. એક વાર ફ્રી શીપ કાર્ડ મળે એટલે એમબીબીએસની ડિગ્રી મળે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. કોલેજની ફીનો તમામ ખર્ચ સરકાર ઉપાડી લે છે. જો આ યોજનાનો લાભ મને મળ્યો ન હોત તો કદાચ હું ડોકટર બની શકી ન હોત. જેથી આ યોજનાનો લાભ મળવા બદલ અને ગુજરાત સરકારે મારા સપનાને ઉડાન ભરવા માટે પાંખો આપી તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું. બોક્ષ મેટર ....તો હું મારી દીકરીને ડોકટર બનાવી શક્યો ન હોતઃ પિતા ગોવિંદભાઈ પટેલ ડો. દર્શના પટેલના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું કે, ચાર સંતાન હોવાથી તેમને ભણાવવા ગણાવવા અને ઘર ચલાવવા માટે મારી પાસે પશુપાલન સિવાય અન્ય કોઈ સ્ત્રોત ન હતો. દીકરી દર્શનાને ડોકટર બનવુ હતું પરંતુ હું સામાન્ય પરિવારનો હોવાથી જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેથી દીકરીને ડોકટર બનાવવાનું સપનું સાકાર કરવુ મુશ્કેલ લાગતુ હતું પરંતુ તે સમેય સરકાર સામે ચાલીને અમારે આંગણે આવી હોય એમ અમને ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ આપ્યો અને મારી દીકરી આજે ડોકટર બની ગઈ તેની મને બેહદ ખુશી છે, જો આ યોજનાનો લાભ મળ્યો ન હોત તો હું મારી દીકરીને ડોકટર બનાવી શકયો ન હોત. સરકારની આ યોજનાના લાભ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર ---- સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી...

Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024

Post a Comment

0Comments
Post a Comment (0)